અમેરિકન અવકાશયાત્રી Sunita Williams (58) અવકાશમાં અટવાઈ જતાં સોશિયલ મીડિયામાં તેઓ હેમખેમ પરત આવે તે માટે પ્રર્થનાની અપીલો થવા લાગી છે, કેટલાંક શ્રદ્ધાળુ લોકોએ હવન પણ શરુ કર્યા છે. જોકે આપણે પ્રાર્થના/ હવન/ યજ્ઞ સિવાય કંઈ કરી શકીએ તેમ પણ નથી. અમેરિકા ધાર્મિક ક્રિયાકાંડોના બદલે વિજ્ઞાન/ ટેકનોલોજીની સહાય લે છે.
24 ઓગસ્ટ 2024 ના રોજ NASAએ કહ્યું છે કે “2 મહિના કરતા વધુ સમયથી અવકાશમાં અટવાયેલા નાસાના બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે ISS-ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરી હતી તે આગલા વરસે ફેબ્રુઆરી 2025માં Space X’s Crew-9 દ્વારા પૃથ્વી પર પાછા ફરશે. આ મિશનમાં બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રોપ્ટની જગ્યાએ સ્પેસએક્સનો ઉપયોગ થશે. “
સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે 5 જૂન 2024ના રોજ 8 દિવસના મિશનની યોજના બનાવી હતી પરંતુ હવે તેઓ ભ્રમણકક્ષામાં લગભગ 8 મહિના પસાર કરશે. નાસાએ જણાવ્યું હતું કે “અવકાશયાત્રીઓ ISS તરફ જવાના માર્ગમાં સ્ટારલાઈનરના 28 thrusters-થ્રસ્ટર્સમાંથી 5 ખરાબ થઈ જતાં helium-હીલિયમ લીકની સમસ્યા ઉભી થઈ હતી, જે propulsion systemને બળતણ પૂરું પાડે છે.”
શું ફેબ્રુઆરી 2025 સુધી ચાલે એટલો ફૂડ/ઓક્સિઝન/ પાણીનો જથ્થો ISS-ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે? 8 દિવસના બદલે 8 મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં રહેવાથી હેલ્થના પ્રશ્નો ઊભા નહીં થાય? ISS પર માઇક્રોગ્રેવિટીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે, સુનિતા વિલિયમ્સ અને વિલમોરને હાડકા ઓગળવાની, દ્રષ્ટિની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હેલ્થના કારણે જ અવકાશ સંશોધન મિશન ટૂંકા ગાળાના જ રાખવામાં આવે છે. ISS એક વિશાળ જગ્યા છે. તેની લંબાઈ 356 ફૂટ છે, જે લગભગ અમેરિકન ફૂટબોલ સ્ટેડિયમ જેટલી છે. અહીં રહેવાનો અને કામ કરવાનો વિસ્તાર 6 બેડરૂમના ઘર જેટલો છે. હાલે ISS પર સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર સિવાય અમેરિકાના 4 અને રશિયાના 3 અવકાશયાત્રીઓ છે. ISS પર ઓક્સિજન-જનરેશન યુનિટ છે, જે અવકાશયાત્રીના શ્વાસમાંથી ઓક્સિજન એકત્રિત કરવામાં સક્ષમ છે. ISS પર એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા અવકાશમાં ભેજ એકઠો થાય છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે. એક ઉપકરણ એવું છે, જે પેશાબને શુદ્ધ કરે છે અને તેને પીવાના પાણીમાં ફેરવી દે છે. ISS પર ફૂડનો પૂરતો જથ્થો છે. ISS પર સપ્લાય કરવામાં આવતી તમામ ખાદ્ય સામગ્રી હ્યુસ્ટન સ્થિત નાસાની સ્પેસ ફૂડ સિસ્ટમ્સ લેબોરેટરીમાં ખાસ તૈયાર કરવામાં આવે છે. 6 ઓગસ્ટ 2024ના રોજ, તેને નોર્થ્રોપ ગ્રુમેન સિગ્નસ NG-21 કાર્ગો અવકાશયાન દ્વારા ખોરાક/ કપડાં વગેરે રિફિલ કરવામાં આવેલ. ISS લગભગ 402 કિલોમીટરની સરેરાશ ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરે છે. તે લગભગ પ્રતિ કલાક 27,724 કિલોમીટરની ઝડપે પ્રવાસ કરે છે અને દરરોજ લગભગ 16 ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે.
બોઇંગ અને સ્પેસએક્સ બંનેને નાસા દ્વારા તેના અવકાશયાત્રીઓ માટે કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ્સ પ્રદાન કરવા માટે બિલિયન-ડોલરના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. SpaceXની સ્થાપના અબજોપતિ એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી.
સુનિતા મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના છે. તેમના પિતાનું નામ દીપક પંડ્યા છે. સુનિતાનો જન્મ Euclid, Ohioમાં થયો હતો. સુનિતાએ ટેક્સાસમાં ફેડરલ માર્શલ માઈકલ જે. વિલિયમ્સ સાથે લગ્ન કર્યા છે. 2007માં, સુનિતાએ સાબરમતી આશ્રમ અને તેમના ગામ ઝુલાસનની મુલાકાત લીધી. સુનિતા યુનાઇટેડ સ્ટેટ્સના નિવૃત નેવી ઓફિસર છે. તેઓ સૌથી વધુ સ્પેસવોકનો રેકોર્ડ ધારક છે. તેમને અનેક સન્માનો મળ્યા છે. 2008માં ભારત સરકારે પદ્મભૂષણ પુરસ્કારથી તેમનું સન્માન કર્યું હતું.
એટલું નક્કી છે કે ફેબ્રુઆરી 2025માં Sunita Williams પૃથ્વી પર પરત આવશે ત્યારે ઝૂલાસણા/ ગુજરાત/ ભારત/ વિશ્વમાં આનંદ છવાઈ જવાનો છે !rs
લેખક :- રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી
(સ્રોત : ) Fb Post