એક ફેસબૂક મિત્ર GPSC ક્લાસ-1/2ની પરીક્ષા આપવાના છે. તેમણે પૂછ્યું છે કે નિબંધ માટે શું કરવું?
GPSC/ UPSC મુખ્ય પરીક્ષામાં નિબંધ શા માટે પૂછાય છે? ઉમેદવાર વિચારોની અભિવ્યક્તિ કેટલી તર્કબદ્ધ રીતે કરે છે? અભિવ્યક્તિની શૈલી કેવી છે? વિચારભાથું કેવું છે? ઉમેદવારનું લેખન કૌશલ્ય કેવું છે? તર્કબદ્ધ વિવેચનાત્મક રીતે લખી શકે છે કે નહીં? વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે છે? વિવિધ મુદ્દાઓ પર સંતુલિત પરિપ્રેક્ષ્ય રજૂ કરવાની ક્ષમતા છે કે નહીં? તેનું મૂલ્યાંકન કરવા નિબંધ પૂછાય છે. નિબંધ લખતી વેળાએ કઈ કઈ તકેદારી લેવી જોઈએ?
નિબંધને ગોખી શકાય નહીં. આ માટે ઊંડાણપૂર્વકનું વાંચન હોવું જોઈએ. નિબંધ માટે પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ માટે સૌથી સારું અને સરળ માધ્યમ ફેસબૂક છે. જેમાં તમે કોઈ એક વિષય પસંદ કરીને ‘લઘુનિબંધ’ લખી શકો. જૂઓ કે કેવી પ્રતિક્રિયા મળે છે. કોમેન્ટના જવાબ આપો. આ રીતે તમારું વિચારભાથું નક્કર દેહ ધારણ કરશે. ઉમેદવાર પાસે ‘વિચારવિસ્તાર’ અને ‘સંક્ષિપ્તિકરણ’ની આવડત હોવી જોઈએ. વિષયને રસપ્રદ રીતે કઈ રીતે રજૂ કરવો તે સમજવા માટે રજનીશની લઘુ પુસ્તિકાઓ વાંચો. વિનોબાને વાંચો. જયપ્રકાશને વાંચો. જ્યોતિરાવ ફૂલે/ દયાનંદજી/ ભગતસિંહ/ ગાંધીજી/ નેહરુ/ આંબેડકરને વાંચો. તેમની અભિવ્યક્તિને સમજો. કોઈ મુદ્દાને સમજાવવા તેઓ કેવા ઉદાહરણો/ દલીલો આપે છે તે જૂઓ. માહિતી ખૂબ હોય અને શબ્દોની મર્યાદામાં લખવાનું હોય ત્યારે મુદ્દાસર સંક્ષિપ્તમાં મહત્વની બાબતો આવરી લેવી પડે.
નિબંધ કેવી રીતે લખવો? વિષયો ધ્યાનથી વાંચો અને વિષય એવો પસંદ કરો જેમાં તમારી રુચિ હોય અને વિષયને અનુરુપ તમારી પાસે વિવિધ સામગ્રી હોય. વિષય પર ધ્યાન કેન્દ્રીત કરો. મંથન કરો. વિચારો. નિબંધ લખવા માટે વ્યવસ્થિત માળખું નજર સામે હોવું જરુરી છે. નિબંધનું માળખું વિચારો. એ માળખાને ટૂંકમાં રફ કાગળ પર ટપકાવી લો. તેમાં મુખ્ય મુદ્દાઓ, દલીલો, ઉદાહરણો અને સંબંધિત ડેટાને નોંધી લો. પછી મુદ્દા-વાઈઝ લખવાની શરુઆત કરો. Clarity, Depth, and Language-સ્પષ્ટતા, ઊંડાણ અને ભાષા મહત્વના છે. ભાષા સરળ હોવી જોઈએ. પ્રસિદ્ધ વ્યક્તિના Quote ટાંકો અને તેના સમર્થનમાં દલીલો રજૂ કરો. પ્રારંભ/ મુખ્ય ફકરા/ નિષ્કર્ષમાં વિષયને વહેંચો. પ્રારંભના ફકરામાં નિબંધનો રોડમેપ ટૂંકાણમાં આવી જવો જોઈએ. નિબંધની શરુઆત ક્વોટ સાથે કરી શકાય. મુદ્દાઓને સમજાવવા માટે વાસ્તવિક જીવનના ઉદાહરણો, કેસ સ્ટડીઝ અને ડેટાનો સમાવેશ કરો. દલીલોને સમર્થન આપવા માટે સંબંધિત બાબતોના તથ્યો, આંકડાઓ, ઐતિહાસિક ઉદાહરણો અને વાસ્તવિક જીવનની ઘટનાઓને ટાંકો. દરેક ફકરામાં તાર્કિક પ્રવાહ જાળવો. સ્પષ્ટ, સંક્ષિપ્ત અને સુસંગત રીતે લખો. પુનરાવર્તન ટાળો. દરેક ફકરામાં નવો મુદ્દો રજૂ કરો. છેલ્લે નિબંધનો નિષ્કર્ષ આપો. નિબંધનો મજબૂત અંત અને નિબંધની આકર્ષક શરૂઆત નિબંધને વજનદાર બનાવે છે. સોનામાં સુગંધ ભેળવે છે. નિબંધને અસરકારક રીતે સમાપ્ત કરવા માટે, તમે તથ્યો, આંકડા, કારણો, ઉદાહરણો, અવતરણો, અભિપ્રાયો, અનુભવો અને સંવેદનાત્મક વિગતો સહિત વિવિધ ઘટકોનો ઉપયોગ કરી શકો છો. નિબંધના અંતમાં મુખ્ય મુદ્દાઓને સંક્ષિપ્તમાં પુનરાવર્તિત કરવા, સંભવિત ભાવિ પગલાં અથવા ક્રિયાઓનું સૂચન કરવું અથવા આકર્ષક વ્યક્તિગત ટિપ્પણી કરી શકો છો. નિબંધ લખાય ગયા બાદ નિબંધને વાંચી લો, જરુર લાગે ત્યાં સુધારો કરો. વ્યાકરણની ભૂલો, જોડણીની ભૂલો અને અભિવ્યક્તિની સ્પષ્ટતા ચકાસી લો.
ઉદાહરણ તરીકે ‘લોકશાહીમાં મીડિયાની ભૂમિકા’ વિશે નિબંધ લખવાનો હોય તો નીચે મુજબ નિબંધનું માળખું હોઈ શકે :
[1] પૂર્વભૂમિકા : લોકશાહી શું છે? તેના આધારસ્તંભો.
[2] લોકશાહીમાં પ્રેસની ભૂમિકા. સ્વતંત્ર પ્રેસ વિના લોકશાહી શક્ય નથી. પ્રેસની સ્વતંત્રતા એટલે શું?
[3] સુપ્રિમકોર્ટના Landmark ચૂકાદાઓ : Romesh Thapar v. State of Madras (1950) (આ કેસમાં, સુપ્રિમકોર્ટે લોકશાહી સમાજમાં મુક્ત પ્રેસના મહત્વ પર ભાર મૂક્યો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સમર્થન આપ્યું. સરકાર જાહેર વ્યવસ્થા, સુરક્ષા અને નૈતિકતાના હિતમાં પ્રેસની સ્વતંત્રતા પર વાજબી નિયંત્રણો લાદી શકે છે.)/ Indian Express Newspapers v. Union of India (1985). (આ કેસમાં, સુપ્રિમકોર્ટે, પ્રેસની સ્વતંત્રતા અને ચોકીદાર તરીકેની તેની ભૂમિકાની પુષ્ટિ કરી. પ્રેસ સરકારી દખલગીરીથી મુક્ત હોવું જોઈએ અને મીડિયાની સ્વતંત્રતાને દબાવવાનો કોઈપણ પ્રયાસ લોકશાહી માટે જ ખતરો હશે. Do) મીડિયા ચોથી જાગીર-fourth estate/ fourth pillar of democracy.
[4] પ્રેસની સમાજ પ્રત્યેની જવાબદારીઓ. with great power comes great responsibility. યલો જર્નાલિઝમ. પ્રેસ કાઉન્સિલ.
[5] મીડિયાને રુંધતા પરિબળો : અંધશ્રદ્ધા, જડતા, રુઢિચુસ્તતા/ બદનક્ષી/ કોર્ટનો તિરસ્કાર/ વિશેષાધિકારો/ અશ્લીલતા/ સેન્સરશિપ/ ગુપ્તતા/ રાજદ્રોહ/ ઈજારાશાહી/ સત્તાનો હસ્તક્ષેપ.
[6] આત્મઅંકુશ જરુરી. નદીની મોકળાશ બે કાંઠા વચ્ચે જ શોભે !
[7] પત્રકાર તરીકે ગાંધીજી/ ડો. આંબેડકરની ભૂમિકા.
[8] Conclusion-નિષ્કર્ષ. નિબંધનો નિચોડ આપો. ગાંધીજીનું આ કથન મૂકી શકો : ‘freedom of the press is a precious privilege that no country can forego પ્રેસની સ્વતંત્રતા એ એક અમૂલ્ય વિશેષાધિકાર છે જેને કોઈપણ દેશ છોડી શકતો નથી’.
સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર મિત્રોને સલાહ છે કે ધંધાદારી કોચિંગ ક્લાસથી દૂર રહો. ઘેરબેઠાં તૈયારી કરો. કોર્પોરેટ કથાકારો/ મોટિવેશનલ સ્પીકર્સ/ લોકપ્રિય કોલમિસ્ટ/ ડાયરાના કલાકારોને ક્યારેય સાંભળવા નહીં. વિદ્વાન લેખકો/ ઈતિહાસકાર/ જાણીતા એક્ટિવિસ્ટને રુબરુ સાંભળો. માનવમૂલ્યોને પ્રતિબદ્ધ સાહિત્ય વાંચો. ધાર્મિક સ્થળોએ જવાને બદલે જિલ્લા/ કોલેજ/ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં નિયમિત જાઓ. આયોજનપૂર્વકનો પરિશ્રમ સફળતા અપાવે છે.
લેખક :- રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી
(સ્રોત : ) Fb Post