કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યૂટ જાહેર કરવામાં આવ્યા
રાજ્યમાં આવેલી 11 સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ કરવામાં આવેલા કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેનો સત્તાવાર ગેઝેટ પર મોડલ સ્ટેચ્યૂટ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગેના જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં તમામ સરકારી યુનિવર્સિટી માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે. આ કોમન અભ્યાસક્રમનો તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત અમલ કરવાનો રહેશે.
આ ઉપરાંત ડિનની મુદત પાંચ વર્ષથી હતી તેમાં ઘટાડો કરીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. યુનિવર્સિટીઓમાં ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટરી કમિટી નિમવાની રહેશે.
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સટીઓમાં ઓક્ટોબર- 2023થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યૂટ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુનિવર્સિટીઓએ પોતાની રીતે તેમાં વાંધા અને સૂચનો રજૂ કર્યા હતા. આ માટે કમિટી બનાવવામાં આવી હતી અને કમિટી સમક્ષ સૂચનો રજૂ કરાયા હતા. ત્યારબાદ કમિટીએ તમામ યુનિવર્સિટીઓ દ્વારા મોકલવામાં આવેલા સૂચનોના આધારે જરૂરી ફેરફાર કર્યા હતા અને હવે તે અંગેનું ગેઝેટ જાહેર કરવામાં આવ્યું છે.
ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે તેનો તમામ સરકારી યુનિવર્સિટીઓ ફરજિયાત અમલ કરવાનો રહેશે. આ ગેઝેટના આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે. ગેઝેટમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે અનુસાર, તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ રહેશે. NEP અંતર્ગત વિદ્યાર્થીઓની ટ્રાન્સફરની જોગવાઈ કરવામાં આવેલી છે. જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી સરકાર દ્વારા જ કોમન અભ્યાસક્રમ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગના યુનિવર્સટીઓ કેમ્પસમાં ખાનગી કોર્સ ચલાવે છે અને એ ફ્રી પોતાની રીતે જ નક્કી કરવામાં આવે છે. જેથી આવા ખાનગી કોર્સની ફી નક્કી કરવા માટે યુનિ.ઓએ નિવૃત્ત જજની અધ્યક્ષસ્તામાં કમિટી બનાવવવી પડશે. આમ, ખાનગી સ્કૂલો અને ટેક્નિકલ કોલેજોની જેમ હવે યુનિવર્સિટીના ખાનગી કોર્સ માટે પણ ફી કમિટી અસ્તિત્વમાં આવશે. હાલમાં યુનિવર્સિટીમાં ડિનની મુદત પાંચ વર્ષની હતી તેમાં પણ ઘટાડો કરીને ત્રણ વર્ષની કરી દેવામાં આવી છે.
નવા કાયદા અનુસાર યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારની નાણાકીય સત્તામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલપતિ પાસે નાણાકીય સત્તા રૂ. 5 લાખની હતી, પરંતુ ગેઝેટમાં કરાયેલા ફેરફાર અનુસાર હવે કુલપતિ પાસે રૂ. 10 લાખની સત્તા રહેશે. જ્યારે રજિસ્ટર પાસે જે રૂ. 1 લાખની સત્તા હતી તેમાં પણ વધારો કરીને રૂ. 5 લાખની સત્તા કરવામાં આવી છે.
(સ્રોત : ) :- ભાવનગર ગુજરાત સમાચાર (તા. ૪ ઓગસ્ટ ૨૦૨૪ રવિવાર ) પેજ નં – 10